Tuesday, 7 February 2012

મન અને હ્રદય!

શાંત સડકો ,શાંત વાતાવરણ,

શાંત ઓરડો અને હું.

બધું જ શાંત...સિવાય મન!

મન અને હ્રદય

કોણજાણે કેમ

આજ જઈ બેઠાં'તા સામસામે પાટે!

મન કઈંક બંડ પોકરતું હતું,

પણ હ્રદય!

હ્રદય તો ક્યાંક અંદરોઅંદર જ શોષવાતું હતું!

હું મૂક બની જોયાકરું, મુંઝાયાકરું...

ત્યાંથી પસાર થતો સમય

ગૂઢહસ્ય સાથે બોલ્યો

''મારી સાથે ચાલવું હોયતો...''

એ સાંભળી મન,

ખબર નહીં કેમ,

જાણે વિજયીહાસ્ય કરીઉઠ્યું!

અને હ્રદય

બસ આભુંબની જોતુંજ રહ્યું...



Wednesday, 8 June 2011

સંબંધો




સંબંધ નાં તાણાવાણા ન મને કદી સમજ આવ્યા,

સંબંધે તેની વ્યાખ્યામાં ન કોને કોને સમાવ્યા!!



પળમાં કરતાં પુલકિત હૃદય સંબંધો,

પળમાં અસ્તિત્વય ભુલાવતા સંબંધો.


ક્યાંક ઝૂકતાં, ક્યાંક અક્કડ રહેતા સંબંધો,

લાગણીડાળે ઝૂલતાં,ક્યાંક છળતાં સંબંધો.



મારાપણાંથી આપણાંપણાં માં વિસ્તરતા સંબંધો,

ને આપણાંપણાંથી ઓટ લઈ વિષમતાં સંબંધો.


ન કોઈ ગણિત કામ આવે,ન દે કોઇ અનુભવ સાથ,

સંબંધે સંબંધે રંગ નવા લેતા સંબંધો.


ક્યારેક....

આ બધાજ થી પર થઈ હું,

જોયાં કરું છું... અનુભવ્યા કરું છું

આ સંબંધોની

આવનજાવન ને!!!

Monday, 16 May 2011

તને મળ્યા પછી...



કલમ પકડું, ન શબ્દ કોઈ આવે!

વિચારું હું , ને નજર એ આવે...


તું ન હતો જ્યારે,

તો શબ્દો સ્ફુર્તા રોજ નવા

ભરવા રંગ

મારી કવિતા ના ભાવવિશ્વમાં..

ને તને મળ્યા પછી,

જીવાતી હો જ્યાં ખુદ કવિતા હૈયે મારાં,

ત્યાં

શબ્દ ની શું વિસાત!!

Thursday, 6 May 2010

મઘમઘતું અંતર



સાત ફેરાનાં એ કેવા મંતર!,
જાણે થયા એક અંતર અંતર.

નાનીશી ચપટી સિંદુરની,
રોમ રોમ મારાં અત્તર અત્તર.

મઘમઘતું અંગ અંગ જાણે,
ઓઢ્યું,તારી પ્રીતનું પાનેતર.

હોવાપણું થયું સાર્થક મારું,
અસ્તિત્વ આખુંય તરબતર.

Saturday, 9 May 2009

મુઠઠી ઉંચેરું ..માતૃત્વ




અર્પણ... 'માઁ' ને.. એની અનન્ય મમતા ને...

''મમતા નો અર્થ ક્યાં શબ્દકોષો માં મળે!,
તારો પ્રેમ ક્યાં શબ્દો માં સમાય છે..!


એક દિ કુદરત ને
આવ્યો હશે વિચાર.
સર્જું કાંઇક એવું,
હોય જેમાં ખુબીઓ અપાર..

મોહકતા દીધી સહુમાં કંઇક,
ખુટતું તોય લાગે વારંવાર.
સર્જું હું કંઈક એવું જે,
હોય સઘળા સર્જન નો સાર.

ઝરણા ની નિર્મળતા લીધી,
ને માંગી નદી ની સરળતા.
વૃક્ષો ની લીધી પરોપકારતા
ને માંગી દરિયા ની વિશાળતા
થોડી લીધી પહાડ ની કઠણાઈ,
ઝઝુમી ને રહેવા અડીખમ.
કુલો થી લીધી કોમળતા,
ને અર્પી સઘળી સુંદરતા..
અને
નામ દીધું એને..

''નારી''...

હજુંય કઈક લાગ્યું ખુટતું.!!
તો
મુકી એમાં મમતા...

ન કર્યું પછી એણે કાંઈ,
ખિલવાદીધો રંગ મમતાનો.
સઘળા ગુણો સમાયા એમાં,
ન મળ્યો કોઈ પર્યાય મમતાનો.

જીવથી ય વધુ જતન કરે એ,
આવવા ન દે એ કોઇ આંચ,
સંજોગ,પરિસ્થિતિ ની શું વિસાત.!
એ હરાવતી એમને સાચેસાચ..

છલકતો અઢળક પ્રેમ,
છે એનું અનન્ય અસ્તિત્વ,
દુનિયા નાં સહુ સંબંધમાં,
છે મુઠઠી ઉંચેરું 'માતૃત્વ'.

મમ્મી,

છે વિશ્વ માટે, તું અમારી માઁ,
છે અમારે મન, તું જ વિશ્વ માઁ.

Happy Mother's Day... Love u mummy.


-ધ્વનિ * શિવમ

Thursday, 30 April 2009

ક્ષણ...


એકાદી કોઇ ક્ષણે

તું ક્યારેક શમણે આવી જાય,
ને,
શબ્દો મારા, મૌન સહી જાય...

હ્રદય જાણે...
ક્ષણ ચુકી જાય..!!
ને,આ દોડતો સમય...
ક્ષણ થંભી જાય..!!

બસ, એક જ ક્ષણ

એક જ ક્ષણ નો આ સન્નાટો,
જાણે,કેટલું કહી જાય..!!







Wednesday, 5 November 2008

બંધન...


આપણું અલગ અલગ અસ્તિત્વ ,

છતાંય આપણે એકનાં એક જ.

આપણી વચ્ચે વહે પ્રેમ નો અવિરત પ્રવાહ...

ક્યારેક મૌન નો મઘમઘાટ, તો ક્યારેક ઉર્મિઓ નો ઘુઘવાટ

ક્યારેક હોય સ્પર્શ કેરું સ્પંદન , ક્યારેક વળી થાય નજરો થી ખંજન.

અને,

આ બધાયથી પર એવું,

હું કાંઇજ ન બોલું ને તોય તમે સાંભળો તેવું,

આ દિલ થી દિલ નું બંધન...

Saturday, 16 August 2008

રક્ષાબંધન


કંકુ કેરા તિલક લગાવું ,
ને કરું હરખ થી આરતી.
ભાઇ મારો સલામત રહેજો,
હું બાંધુ તને રાખડી.


બાળપણ વીત્યું રમતાં-ઝઘડતાં,
શિખ્યા હેત ની બારાખડી.
આજ,તારી કેટલી યાદ આવે!,
સાખ પુરાવે મારી આંખડી.


ગુંથી તેને આપણા હેત થી,
સાથે શુભેચ્છાઓ ભારોભાર.
સાત સમંદર પાર થી,ભાઇ,
આજ મોકલું છું આ તાર.


ભેટ શું મને તું આપીશ આજ?
બસ,આમ જ રાખજે સ્નેહ અપાર.
આવે કદી ન કોઇ વિઘ્ન તને,
વરસે સુખ,ને ખુશીઓ અપાર.

Friday, 15 August 2008

સ્વતંત્રતા દિન


આઝાદી નો આ અવસર સુનેરો,
હયૈ ઉભરાય આનંદ અનેરો.

છું ભલે આજ હું તારી ધરતી થી દુર,
પણ હયૈ રમે છે હજીયે ભારતીય સુર.

તારી હવા હજીયે શ્વાસ માં ભરી છે રાખી,
ને તારી યાદ હજીયે છે એવી જ તાજી.

આઝાદી તારી-આપણી અમર રહે, માઁ,
કંઇ કેટલાય બલિદાને છે એને ચાખી.

Saturday, 2 August 2008

ફ્રેન્ડશીપ ડે.


મિત્રતા

આમ તો આ 'ડે' ઉજવતા તો આપણે વિદેશીઓ પાસે થી શિખ્યા, પણ ફર્ક માત્ર એટલો જ કે લોકો એ ખાસ દિવસે જ, જેનો 'ડે' હોય એને યાદ કરે અને આપણે એ 'ડે' પર આપણા ''ખાસ'' લોકો ને ખાસ યાદ કરીએ!! એવો જ આજે એક 'ડે' છે ફ્રેન્ડશીપ ડે.


મિત્ર... મિત્ર એટલે પ્રેમ અને લાગણી નું પવિત્ર ઝરણું.એની શીતળતા કેટલી આહલાદક હોય છે એ તો બે જ લોકો જાણી શકે.એક તો જેણે એમાં ડુબકી મારી હોય એ, કાં તો કિનારે બેસી તરસ્યો રહ્યો હોય !! એક સાચા મિત્ર ની જીવન માં કેટલી જરૂર હોય છે, એ માપવા નાં તોલ-માપ હજી ક્યાં શોધાયા જ છે! સાચો મિત્ર જ કદાચ એવી વ્યક્તિ છે કે જે આપણ ને મળાવે આપણાથી!સાચી મૈત્રી એ કદાચ એવો સાત્વિક સંબંધ કે જેને ઇર્ષા, કડવાશ, કે શંકા-કુશંકા જેવો કાટ કદી લાગતો નથી.અને સાચો મિત્ર એ કદાચ એવી વ્યક્તિ કે જેની સાથે વિતાવેલી દરેક પળ જીવન ની અમુલ્ય અને અવિસ્મણીય પળ બની જાય.કદાચ એટલેજ કહેછે ને કે પતિ-પત્ની પણ એક-બીજા ના ખુબ જ સારા મિત્ર બની જાય પછી જીવન ની મજા જ કાંઈ ઔર આવે! જોકે સાચા મિત્ર ની કોઇ સરખામણી- તુલના જ ન થાય। જેમકે, એને આપણો પડ્છાયો પણ ન જ કહી શકાય।! કેમેકે પડ્છાયો પણ અંધારે સાથ છોડી દે અને સાથ છોડે એ મિત્ર ક્યાંનો!!

હા, ખુબ જ સારા મિત્રો હોવા છતાંય અતિશય મતભેદ હોય એ સહજ વાત છે .ઘણા એવા ય જોયાં કે જે સાવ ઉત્તર-દક્ષિણ હોય, હજારો મતભેદ વચ્ચે પણ મન એક હોય !! હજારો અણગમા હોવા છતાંય એક-મેક નાં પુરક! ઘણા ને કહેતા સાંભળ્યા કે આજે મિત્રતા નાં રૂપ રંગ બદલાઈ ગયા છે.. મૈત્રી ના મુખોટા રાખી છુપો પ્રેમ થાય છે! તો ઘણા કહેશે કે ખરા મિત્રો તો હવે રહ્યા છે જ ક્યાં!! હવે એ કૃષ્ણ-સુદામા ની દોસ્તી બસ વાર્તા બની ને રહી ગઈ છે! હવે એ જમાના ગયા! ચાલો,માન્યુ કે કઈક અંશે એ વાત સાચી હશે.. પણ મારા મતે એ ચકાસવું જરૂરથી ઘટે કે ક્યાંક આપણેજ સાવ બદલાઈ નથી ગયા ને! કોઈ પરિસ્થિતિ કે સંબંધ ને જોવા નો આપણો જ દ્રષ્ટિકોણ મલિન નથી થઈ ગયો ને! પહેલા જેવી મિત્રતા નથી કેમકે આપણી 'પોતાનાપણા' ની દુનિયા માં હવે મિત્ર માટે સમય જ ક્યાં છે! જમાનો તો કદાચ આજે પણ એવો જ છે. પણ ધ્યાન આપણે રાખવાનુ છે કે દ્વારિકા ને ડુબતી જોઈ હરખાતા સુદામા જેવા લોકો ની સંગત માં આપણે ક્યાંક આપણા કૃષ્ણ ને તો નથી ભુલી રહ્યા ને!!

બધા જ મિત્રો ને 'હેપ્પી ફ્રેન્ડ્શીપ ડે' . આશા ની સાથે સાથે અડગ વિશ્વાસ પણ રાખું કે આપણી મિત્રતા આજીવન મહેકતી રહે.



(કૃષ્ણ અને સુદામા ના સંબધ નાં આજ નાં- આધુનિકતા ના -આવરણ નો રણકાર આપ અહિં માણી(!) શકો છો http://rankaar.com/?p=328 )