Saturday 16 August 2008

રક્ષાબંધન


કંકુ કેરા તિલક લગાવું ,
ને કરું હરખ થી આરતી.
ભાઇ મારો સલામત રહેજો,
હું બાંધુ તને રાખડી.


બાળપણ વીત્યું રમતાં-ઝઘડતાં,
શિખ્યા હેત ની બારાખડી.
આજ,તારી કેટલી યાદ આવે!,
સાખ પુરાવે મારી આંખડી.


ગુંથી તેને આપણા હેત થી,
સાથે શુભેચ્છાઓ ભારોભાર.
સાત સમંદર પાર થી,ભાઇ,
આજ મોકલું છું આ તાર.


ભેટ શું મને તું આપીશ આજ?
બસ,આમ જ રાખજે સ્નેહ અપાર.
આવે કદી ન કોઇ વિઘ્ન તને,
વરસે સુખ,ને ખુશીઓ અપાર.

Friday 15 August 2008

સ્વતંત્રતા દિન


આઝાદી નો આ અવસર સુનેરો,
હયૈ ઉભરાય આનંદ અનેરો.

છું ભલે આજ હું તારી ધરતી થી દુર,
પણ હયૈ રમે છે હજીયે ભારતીય સુર.

તારી હવા હજીયે શ્વાસ માં ભરી છે રાખી,
ને તારી યાદ હજીયે છે એવી જ તાજી.

આઝાદી તારી-આપણી અમર રહે, માઁ,
કંઇ કેટલાય બલિદાને છે એને ચાખી.

Saturday 2 August 2008

ફ્રેન્ડશીપ ડે.


મિત્રતા

આમ તો આ 'ડે' ઉજવતા તો આપણે વિદેશીઓ પાસે થી શિખ્યા, પણ ફર્ક માત્ર એટલો જ કે લોકો એ ખાસ દિવસે જ, જેનો 'ડે' હોય એને યાદ કરે અને આપણે એ 'ડે' પર આપણા ''ખાસ'' લોકો ને ખાસ યાદ કરીએ!! એવો જ આજે એક 'ડે' છે ફ્રેન્ડશીપ ડે.


મિત્ર... મિત્ર એટલે પ્રેમ અને લાગણી નું પવિત્ર ઝરણું.એની શીતળતા કેટલી આહલાદક હોય છે એ તો બે જ લોકો જાણી શકે.એક તો જેણે એમાં ડુબકી મારી હોય એ, કાં તો કિનારે બેસી તરસ્યો રહ્યો હોય !! એક સાચા મિત્ર ની જીવન માં કેટલી જરૂર હોય છે, એ માપવા નાં તોલ-માપ હજી ક્યાં શોધાયા જ છે! સાચો મિત્ર જ કદાચ એવી વ્યક્તિ છે કે જે આપણ ને મળાવે આપણાથી!સાચી મૈત્રી એ કદાચ એવો સાત્વિક સંબંધ કે જેને ઇર્ષા, કડવાશ, કે શંકા-કુશંકા જેવો કાટ કદી લાગતો નથી.અને સાચો મિત્ર એ કદાચ એવી વ્યક્તિ કે જેની સાથે વિતાવેલી દરેક પળ જીવન ની અમુલ્ય અને અવિસ્મણીય પળ બની જાય.કદાચ એટલેજ કહેછે ને કે પતિ-પત્ની પણ એક-બીજા ના ખુબ જ સારા મિત્ર બની જાય પછી જીવન ની મજા જ કાંઈ ઔર આવે! જોકે સાચા મિત્ર ની કોઇ સરખામણી- તુલના જ ન થાય। જેમકે, એને આપણો પડ્છાયો પણ ન જ કહી શકાય।! કેમેકે પડ્છાયો પણ અંધારે સાથ છોડી દે અને સાથ છોડે એ મિત્ર ક્યાંનો!!

હા, ખુબ જ સારા મિત્રો હોવા છતાંય અતિશય મતભેદ હોય એ સહજ વાત છે .ઘણા એવા ય જોયાં કે જે સાવ ઉત્તર-દક્ષિણ હોય, હજારો મતભેદ વચ્ચે પણ મન એક હોય !! હજારો અણગમા હોવા છતાંય એક-મેક નાં પુરક! ઘણા ને કહેતા સાંભળ્યા કે આજે મિત્રતા નાં રૂપ રંગ બદલાઈ ગયા છે.. મૈત્રી ના મુખોટા રાખી છુપો પ્રેમ થાય છે! તો ઘણા કહેશે કે ખરા મિત્રો તો હવે રહ્યા છે જ ક્યાં!! હવે એ કૃષ્ણ-સુદામા ની દોસ્તી બસ વાર્તા બની ને રહી ગઈ છે! હવે એ જમાના ગયા! ચાલો,માન્યુ કે કઈક અંશે એ વાત સાચી હશે.. પણ મારા મતે એ ચકાસવું જરૂરથી ઘટે કે ક્યાંક આપણેજ સાવ બદલાઈ નથી ગયા ને! કોઈ પરિસ્થિતિ કે સંબંધ ને જોવા નો આપણો જ દ્રષ્ટિકોણ મલિન નથી થઈ ગયો ને! પહેલા જેવી મિત્રતા નથી કેમકે આપણી 'પોતાનાપણા' ની દુનિયા માં હવે મિત્ર માટે સમય જ ક્યાં છે! જમાનો તો કદાચ આજે પણ એવો જ છે. પણ ધ્યાન આપણે રાખવાનુ છે કે દ્વારિકા ને ડુબતી જોઈ હરખાતા સુદામા જેવા લોકો ની સંગત માં આપણે ક્યાંક આપણા કૃષ્ણ ને તો નથી ભુલી રહ્યા ને!!

બધા જ મિત્રો ને 'હેપ્પી ફ્રેન્ડ્શીપ ડે' . આશા ની સાથે સાથે અડગ વિશ્વાસ પણ રાખું કે આપણી મિત્રતા આજીવન મહેકતી રહે.



(કૃષ્ણ અને સુદામા ના સંબધ નાં આજ નાં- આધુનિકતા ના -આવરણ નો રણકાર આપ અહિં માણી(!) શકો છો http://rankaar.com/?p=328 )