Wednesday 5 November 2008

બંધન...


આપણું અલગ અલગ અસ્તિત્વ ,

છતાંય આપણે એકનાં એક જ.

આપણી વચ્ચે વહે પ્રેમ નો અવિરત પ્રવાહ...

ક્યારેક મૌન નો મઘમઘાટ, તો ક્યારેક ઉર્મિઓ નો ઘુઘવાટ

ક્યારેક હોય સ્પર્શ કેરું સ્પંદન , ક્યારેક વળી થાય નજરો થી ખંજન.

અને,

આ બધાયથી પર એવું,

હું કાંઇજ ન બોલું ને તોય તમે સાંભળો તેવું,

આ દિલ થી દિલ નું બંધન...

Saturday 16 August 2008

રક્ષાબંધન


કંકુ કેરા તિલક લગાવું ,
ને કરું હરખ થી આરતી.
ભાઇ મારો સલામત રહેજો,
હું બાંધુ તને રાખડી.


બાળપણ વીત્યું રમતાં-ઝઘડતાં,
શિખ્યા હેત ની બારાખડી.
આજ,તારી કેટલી યાદ આવે!,
સાખ પુરાવે મારી આંખડી.


ગુંથી તેને આપણા હેત થી,
સાથે શુભેચ્છાઓ ભારોભાર.
સાત સમંદર પાર થી,ભાઇ,
આજ મોકલું છું આ તાર.


ભેટ શું મને તું આપીશ આજ?
બસ,આમ જ રાખજે સ્નેહ અપાર.
આવે કદી ન કોઇ વિઘ્ન તને,
વરસે સુખ,ને ખુશીઓ અપાર.

Friday 15 August 2008

સ્વતંત્રતા દિન


આઝાદી નો આ અવસર સુનેરો,
હયૈ ઉભરાય આનંદ અનેરો.

છું ભલે આજ હું તારી ધરતી થી દુર,
પણ હયૈ રમે છે હજીયે ભારતીય સુર.

તારી હવા હજીયે શ્વાસ માં ભરી છે રાખી,
ને તારી યાદ હજીયે છે એવી જ તાજી.

આઝાદી તારી-આપણી અમર રહે, માઁ,
કંઇ કેટલાય બલિદાને છે એને ચાખી.

Saturday 2 August 2008

ફ્રેન્ડશીપ ડે.


મિત્રતા

આમ તો આ 'ડે' ઉજવતા તો આપણે વિદેશીઓ પાસે થી શિખ્યા, પણ ફર્ક માત્ર એટલો જ કે લોકો એ ખાસ દિવસે જ, જેનો 'ડે' હોય એને યાદ કરે અને આપણે એ 'ડે' પર આપણા ''ખાસ'' લોકો ને ખાસ યાદ કરીએ!! એવો જ આજે એક 'ડે' છે ફ્રેન્ડશીપ ડે.


મિત્ર... મિત્ર એટલે પ્રેમ અને લાગણી નું પવિત્ર ઝરણું.એની શીતળતા કેટલી આહલાદક હોય છે એ તો બે જ લોકો જાણી શકે.એક તો જેણે એમાં ડુબકી મારી હોય એ, કાં તો કિનારે બેસી તરસ્યો રહ્યો હોય !! એક સાચા મિત્ર ની જીવન માં કેટલી જરૂર હોય છે, એ માપવા નાં તોલ-માપ હજી ક્યાં શોધાયા જ છે! સાચો મિત્ર જ કદાચ એવી વ્યક્તિ છે કે જે આપણ ને મળાવે આપણાથી!સાચી મૈત્રી એ કદાચ એવો સાત્વિક સંબંધ કે જેને ઇર્ષા, કડવાશ, કે શંકા-કુશંકા જેવો કાટ કદી લાગતો નથી.અને સાચો મિત્ર એ કદાચ એવી વ્યક્તિ કે જેની સાથે વિતાવેલી દરેક પળ જીવન ની અમુલ્ય અને અવિસ્મણીય પળ બની જાય.કદાચ એટલેજ કહેછે ને કે પતિ-પત્ની પણ એક-બીજા ના ખુબ જ સારા મિત્ર બની જાય પછી જીવન ની મજા જ કાંઈ ઔર આવે! જોકે સાચા મિત્ર ની કોઇ સરખામણી- તુલના જ ન થાય। જેમકે, એને આપણો પડ્છાયો પણ ન જ કહી શકાય।! કેમેકે પડ્છાયો પણ અંધારે સાથ છોડી દે અને સાથ છોડે એ મિત્ર ક્યાંનો!!

હા, ખુબ જ સારા મિત્રો હોવા છતાંય અતિશય મતભેદ હોય એ સહજ વાત છે .ઘણા એવા ય જોયાં કે જે સાવ ઉત્તર-દક્ષિણ હોય, હજારો મતભેદ વચ્ચે પણ મન એક હોય !! હજારો અણગમા હોવા છતાંય એક-મેક નાં પુરક! ઘણા ને કહેતા સાંભળ્યા કે આજે મિત્રતા નાં રૂપ રંગ બદલાઈ ગયા છે.. મૈત્રી ના મુખોટા રાખી છુપો પ્રેમ થાય છે! તો ઘણા કહેશે કે ખરા મિત્રો તો હવે રહ્યા છે જ ક્યાં!! હવે એ કૃષ્ણ-સુદામા ની દોસ્તી બસ વાર્તા બની ને રહી ગઈ છે! હવે એ જમાના ગયા! ચાલો,માન્યુ કે કઈક અંશે એ વાત સાચી હશે.. પણ મારા મતે એ ચકાસવું જરૂરથી ઘટે કે ક્યાંક આપણેજ સાવ બદલાઈ નથી ગયા ને! કોઈ પરિસ્થિતિ કે સંબંધ ને જોવા નો આપણો જ દ્રષ્ટિકોણ મલિન નથી થઈ ગયો ને! પહેલા જેવી મિત્રતા નથી કેમકે આપણી 'પોતાનાપણા' ની દુનિયા માં હવે મિત્ર માટે સમય જ ક્યાં છે! જમાનો તો કદાચ આજે પણ એવો જ છે. પણ ધ્યાન આપણે રાખવાનુ છે કે દ્વારિકા ને ડુબતી જોઈ હરખાતા સુદામા જેવા લોકો ની સંગત માં આપણે ક્યાંક આપણા કૃષ્ણ ને તો નથી ભુલી રહ્યા ને!!

બધા જ મિત્રો ને 'હેપ્પી ફ્રેન્ડ્શીપ ડે' . આશા ની સાથે સાથે અડગ વિશ્વાસ પણ રાખું કે આપણી મિત્રતા આજીવન મહેકતી રહે.



(કૃષ્ણ અને સુદામા ના સંબધ નાં આજ નાં- આધુનિકતા ના -આવરણ નો રણકાર આપ અહિં માણી(!) શકો છો http://rankaar.com/?p=328 )

Sunday 11 May 2008

મધર્સ ડે


(આમ તો વાત મેં મારી અને મારી મમ્મી ની કરી છે,પણ કદાચ એ બધી જ મા-દિકરી નાં સંબંધ ની વાત છે.આજ ના આ દિને,બધી જ મમ્મીઓ ને મારા જેવી બધી જ દિકરીઓ વતી આ લેખ અર્પણ કરું છું.)


મમ્મી,

Happy Mothers Day

આમ તો મારો હર દિન, હર ક્ષણ તારી જ છે, પણ તોય, ખાસ આજ નો દિવસ તો કેમ ભુલાય !અને એ પણ અહી તારા થી આટલે દુર,પરદેશ માં રહી ને!!


મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી! એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે. રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી. અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે''બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.


તારા વિશે લખવામાં તો જો પૃથ્વી ને શાહી નુ પાત્ર અને આકાશ ને પત્ર બનાવું ને, તોય આસમાન ક્યાંય નાનું પડે!મમ્મી,તને હર ખુશી આપી શકું,એ માટે પ્રભુ મને સક્ષમ બનાવે.હર જન્મે તારો પ્રેમ પામી શકું,મને બસ તારી જ દિકરી બનાવે.તારી ખુશી ની હર પળ પ્રાર્થના કરું છું.માફ કરજે પ્રભુ,તમારા થી પહેલા વંદન તો હું મારી માં ને જ કરું છું.


તારી દિકરી.



Thursday 17 April 2008

કોઈ કારણ હશે


કંઈક થવાનાં કોઈ કારણ હશે,
વિચારોથી ઉદભવેલા તારણ હશે!

રોજ ઊગવું ને રોજ આથમવું,
સૂર્યને પણ ઘરનું વળગણ હશે !

કેટલાય ડૂબ્યા ને છતાંય ઊગર્યા,
નક્કી એ પ્રેમ નું અફાટ રણ હશે !

સાવ અમસ્તુ જ આટલું વેર ન થાય,
એને મન ઝેર એ ઝેર નું મારણ હશે !

એક જ ઘડીમાં આમ બાજી ન પલટાય,
નક્કી એ નજીકનું જ કોઇ સગપણ હશે !

શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,
જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે!

Wednesday 13 February 2008

તું મળે..



એક એવી નજાકતભરી સવાર મળે,
ફૂલો ની ફોરમ માં તારી સુવાસ મળે.

એક એવી ધોમધખતી બપોર મળે,
ક્ષણો ની કુખ માં તારી યાદો નાં અંકુર મળે.

એક એવી સપ્તરંગી સાંજ મળે,
શબ્દો નાં ઝરુખે તારા પ્રેમ નાં પગરણ મળે.

એક એવી સોહામણી રાત મળે,
શ્વાસ ને મારા તારો અડગ વિશ્વાસ મળે.

Sunday 27 January 2008

સંબંધો નાં સમીકરણ

સંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા,
એમાં શતરંજનાં બાદશાહોને ફાવતાં મેં જોયા.

હારેલા ને લાગણીમાં પિસાતા મેં જોયા,
ને પછી યાદોનાં સાગરમાં ખોવાતા મેં જોયા.

પૈસા અને પ્રતિષ્ઠાની ઘેલછા માં,
જિંદગી સામે લખલૂટ લૂંટાતા મેં જોયા.

ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ,
જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયાં.

Friday 11 January 2008

એક પાંદડાનાં ખરવાની વાત


એક લીલાંછમ પાંદડાનાં ખરવાની વાત છે,
પછી ઝાડે કરેલાં છાના કલ્પાંતની વાત છે.

આમ જુઓ તો હતો એ તાજો જ સંબંધ,
પણ આખરે તો એ સંબંધ તૂટ્યાંની વાત છે.

દિવસો વીત્યાં, મોસમ બદલાઈ,
ફરીથી નવી કુંપળો ફુટ્યાની વાત છે.

એજ રૂપ, એજ રંગ અને એજ આકાર,
છતાં એ પાંદડાની ખોટ કદી ન ભરાયાની વાત છે.